Sunday 9 July 2017

એકદમ નક્કર હકીકત છળ બને, એવું બને!
દર્દ પોતે પણ દુઃખોની કળ બને, એવું બને!

ક્યાં જવું? ક્યાં ના જવું?-ની ગડમથલ ચાલ્યા કરે,
એકતરફી લાગણી સાંકળ બને, એવું બને!

ક્યાંક સૂના રણની માફક યાદ કોઈ વિસ્તરે,
ક્યાંક ભીની આંખનું એ જળ બને, એવું બને!

જે જતનથી લાગણી રોપીને ઊછેરો તમે,
એ સબંધો પણ કદી બાવળ બને, એવું બને!

રાત, આખી રાત કોની યાદમાં રડતી હશે?
કે સવારે આંસુઓ ઝાકળ બને, એવું બને!

પીઠ પાછળ હાથ સધિયારાનો ફરતો હોય તો,
કો'ક દિ એ જીવવાનું બળ બને, એવું બને!

બે ઘડી રોકાઈને આંસુ લૂછી જો કોઈના,
જીવવું તારું પછી ઝળહળ બને, એવું બને!

હાથમાં લઈને  કલમ, ઈશ્વર ગઝલ લખવા ચહે,
છમ્મલીલી આ ધરા કાગળ બને, એવું બને!

'પાર્થ' ચારે ધામ જેવી જાતરા છે શબ્દની,
એ હવે બસ આપણું અંજળ બને, એવું બને!

: હિમલ પંડ્યા 'પાર્થ'

(1992-93માં સુરેન્દ્રનગર ખાતે મારા જીવનના સૌથી પહેલાં મુશાયરામાં ભાગ લીધેલો, ત્યારે આ "બને, એવું બને" રદીફ પરની એક મજાની ગઝલ કવિશ્રી ધૂની માંડલિયા Dhuni Mandaliyaના ઘાટ્ટા, ઘેરાં, ઘૂંટાયેલા અવાજમાં માણેલી ત્યારથી આ રદીફ મનમાં ઘર કરી ગયેલો. આજે એને એક ગમતો અંજામ આપી શકાયો)

No comments:

Post a Comment