વિંઝુ છું હાથ બન્ને, ઊંચકાઉં છું હવામાં,
ચારે તરફ પછી તો વિખરાઉં છું હવામાં;
રંગો બધા જ આખર મારાં મહીં સમાણાં,
હું ઇન્દ્રધનુષ જેવો સરજાઉં છું હવામાં;
એના પ્રણયતણી બસ, એક વાદળી ઝરે ને-
ભીની સુગંધ પેઠે ફેલાઉં છું હવામાં;
એ ઈન્તજાર આંજે આંખોમહીં અને હું-
પ્રેમીનો સાદ થઈને પડઘાઉં છું હવામાં;
બ્હાનું મળ્યું ફરીથી રાધાને દોડવાનું,
છું સૂર વાંસળીનો, રેલાઉં છું હવામાં;
ચાલો, તમે જલાવો સહુ દીપ આરતીના;
હું શંખનાદ થઈને પથરાઉં છું હવામાં.
: હિમલ પંડ્યા
No comments:
Post a Comment