Monday 6 March 2017

આવવું, રહેવું અને પાછા જવું;
બોલ, આમાં ક્યાં છે કરવાનું નવું?
બસ, ખપી જાવાનો રસ્તો અે ય છે,
કોઈને ઉપયોગમાં આવી જવું!

જ્યાં સુધી રહીએ ચલણમાં ત્યાં સુધી,
આપણી પાસેનું ઉત્તમ આપવું;
દૂર રહીએ ઓળખી લીધા પછી,
ક્યાં સુધી લઈને ફરીશું ત્રાજવું?
કેમ? લોકેશન મળ્યું ના મેપમાં?
વૃધ્ધ પૂછે છે કરીને નેજવું!
હું અનુભવથી જ એ શીખી ગયો!
કે અનુભવ શીખવે - અે શીખવું.
: હિમલ પંડ્યા 
એટલું કામ આજે જ કરવાનું છે,
એ ન આવે તો સામેથી મળવાનું છે;
છો ને ખારો હો સાગર, નદીએ છતાં-
જીદ છોડી, જઈ એમાં ભળવાનું છે;
ખૂબ ઊંચે ચડી ગ્યા એ જોયું અમે;
લ્યો, હવે જાળવીને ઊતરવાનું છે!
કાંઈ સૂરજ બધાએ થવાનું નથી,
એક દીવો થઈને સળગવાનું છે;
તું કરે એમ થાવાનું હોયે પ્રભુ!
તો અહીં મારે શાને રઝળવાનું છે?
શ્વાસને જાણ કેવી? કે અંદર જઈ,
એક આંટો દઈને નીકળવાનું છે!
: હિમલ પંડ્યા
આમ પણ થાય ને અેમ પણ થાય છે,
જીન્દગી જો ને, ક્યાંથી ક્યાં લઈ જાય છે!
આપણું આપણાંમાં ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે!
ખાલીપાએ ખભે હાથ મૂકી કહ્યું;
જો, હું છું ને! પછી શાને મૂંજાય છે?
કોઈને જીતવાની અધીરાઈમાં,
જાતને સાવ હારીને બેસાય છે;
સાચવી રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે;
તું કહે છે કે શ્વાસો ઘણાં છે અને,
હું કહેતો રહું છું, સરી જાય છે;
કોઈ પીડા નકામી તો હોતી નથી,
આંસુ આવ્યે કવિતાઓ સર્જાય છે;
: હિમલ પંડ્યા
રડાવી શકે છે, હસાવી શકે છે,*
ઇશારે જરા તું નચાવી શકે છે;
કદી રીસના તો કદી લાગણીના,
રંગો ઘણાં તું બતાવી શકે છે;
વરસતી રહે હેતથી આંખ તારી,
તરસ જિંદગીની છીપાવી શકે છે;
કલમ થઇ ને જો મારા હાથોમાં આવે,
ગઝલ પર ગઝલ તું લખાવી શકે છે;
કરી નાવ જીવનની તારે હવાલે;
ડૂબાડી શકે છે, તરાવી શકે છે!
: હિમલ પંડ્યા
* તરહી રચના (૧૯૯૧-૯૨)