Friday 15 December 2017

વાત માંડી છે હજુ, અંજામ લઈને આવ મા,
જીતવા તો દે મને, ઇનામ લઈને આવ મા;  

આ નગરની હર ગલી શોખીન સન્નાટાની છે,
શબ્દને તું આમ ખુલ્લેઆમ લઈને આવ મા; 

ક્યાંય સુકાયા નથી કોઈ આંખના દરિયા હજુ,
હોઠ પર 'શ્રી રામ' કે 'ઇસ્લામ' લઈને આવ મા; 

જિંદગી આખી વિતાવી ભૂલવામાં જેમને,
એમની તસ્વીર, એનું નામ લઈને આવ મા;    

હું હળાહળ ઝેરને પીવા મથું છું ક્યારનો;
દોસ્ત! અત્યારે છલકતું જામ લઈને આવ મા;  

: હિમલ પંડ્યા
બસ, તમારી હામાં હા રાખી હતી!
ક્યારે દુનિયાની તમા રાખી હતી?

દર્દ મળવાનું હતું સંબંધમાં,
એમ સમજીને દવા રાખી હતી;

એમણે ઉમ્મીદ ઉધારી દીધી!
આપણે ધીરજ જમા રાખી હતી;

હોઠ ઉપર સ્મિત છો પ્હેરી લીધું!
આખમાં તો યે વ્યથા રાખી હતી;

એક દીવો એટલે બળતો રહ્યો,
શ્વાસના નામે હવા રાખી હતી;

આજીવન એ એકલો જીવ્યો હતો,
માનમાં જેના સભા રાખી હતી;

: હિમલ પંડ્યા
એમ સઘળું થ્યા કરે છે,
હાથ આવે, ગ્યા કરે છે;

આંસુઓ ટપકી પડે છે,
દિલ ઈશારો જ્યાં કરે છે;

એ ગયાં છે એટલે ત્યાં,
દર્દ થોડું રયા કરે છે;

શ્વાસને ઝાલ્યા કરે છે!
કેમ આવું લ્યા, કરે છે?

જિંદગીને છે રીસાવું,
તું ય ચાળો ક્યાં કરે છે! 

દેહનો વળગાડ છૂટે,
કોઈ વિધિ ત્યાં કરે છે. 

: હિમલ પંડ્યા 
મોહ સઘળો મૂકવાનો હોય છે,
શ્વાસ જ્યારે છૂટવાનો હોય છે;

રોજ છો મોઢે લગાડીને પીઓ,
જામ આખર ખૂટવાનો હોય છે;

જે ઘડી ઊંચાઈને પામો તમે,
એ વખત બસ, ઝૂકવાનો હોય છે;

આ તરફ એ જોઈ લેશે ભૂલથી,
એ ય લ્હાવો લૂંટવાનો હોય છે;

હા, ભરોસો છે મને એ વાત પર,
કે ભરોસો તૂટવાનો હોય છે;

કાફિયાઓથી ભર્યો હુક્કો ગઝલ!
મોજથી એ ફૂંકવાનો હોય છે.

: હિમલ પંડ્યા   
આ બધી ઈચ્છાના કોઠા કેવી રીતે ભેદવા?
કેમ આ આવી ચૂકેલા સ્વપ્ન પાછા ઠેલવા?

સાંભળ્યું છે એ જ પહેલા ચીર પણ પૂરતો હતો,
રોજ આપે છે નવી પીડા મને જે પ્હેરવા;

એક દિ' એને દયા તો આવશે ને આપણી!
ત્યાં સુધી તકદીરના સઘળા સિતમને વેઠવા;

સળવળે છે રોજ થોડું, કોક દિ' બેઠો થશે!
આપણાં સંબંધને લાગુ પડી રહી છે દવા;

આપણું પહેલું મિલન આજે ય ભૂલાયું નથી,
એ વખતના સ્પર્શને ઝંખી રહ્યા છે ટેરવાં!

: હિમલ પંડ્યા
માર્ગ ભુલેલાંને માટે આંગળી ચિંધનાર છું,
હામ જે હારી ગયા છે એમનો આધાર છું;

સાવ નાની વાતમાંથી થઇ જતી તકરાર છું,
ને પછી ખુલ્લા હૃદયથી ભૂલનો સ્વીકાર છું;

આમ તો હંમેશ રાખું ધ્યાન હું તારું છતાં,
કોણ જાણે કેમ ખુદ પ્રત્યે હું બેદરકાર છું;

રોજ હું આવીશ તારા ઉંબરા સુધી સનમ!
હું જ સૂરજનું કિરણ, હું રાતનો અંધાર છું;

ખાતરી ના થાય તો જાતે હૃદયને પૂછજે,
એક મીઠું દર્દ છું હું, દર્દનો ઉપચાર છું;

તું ભલે ને વેદનાનો રોજ સરવાળો કરે,
હું જ સઘળી પીડનો નિશેષ ભાગાકાર છું;

જિંદગી તારી ભલે ને વારતા જેવી રહી,
આખરે તો હું જ એ આખી કથાનો સાર છું;

"પાર્થ" એ પરવાહ કોને - શું થશે? ક્યારે થશે?
ખુદ સૌ ઘટનાઓનો આગોતરો અણસાર છું.

: હિમલ પંડ્યા "પાર્થ"

ક્યાંથી આ આવીને ઊભી આપણી વચ્ચેની ભીંત?
સાવ છૂપી, તો ય સામી આપણી વચ્ચેની ભીંત!

બેય બાજુથી એ બન્નેને સતત ડસતી રહે,
થાય તગડી લોહી ચૂસી આપણી વચ્ચેની ભીંત!

લો સહારો કેટલાં પોકળ સમાધાનોતણો!
તો ય પાછી ઉગવાની આપણી વચ્ચેની ભીંત!

રોજ લાગે - આજ એ નક્કી તૂટી જાશે, અને
રોજ થોડી થાય ઊંચી આપણી વચ્ચેની ભીંત!

અણગમાથી, રીસથી, અળગાપણાથી છે બની,
એમ થોડી ભાંગવાની આપણી વચ્ચેની ભીંત!

એક જો સમજણની બારી ક્યાંક એમાં રોપીએ,
થઈ જશે સાવ જ નકામી આપણી વચ્ચેની ભીંત!

: હિમલ પંડ્યા 
રોજ આપી જાય જીવવાના બહાના;
કેટલા યે અવનવાં, કેવાં મજાના!

જીંદગી ક્યાંથી હુનર લઈ આવતી આ?
ખુશ થયે તું ખોલતી સઘળાં ખજાના;

એકધારી આવ-જા કરતી રહે છે,
તો ય ક્યાં દેખાય છે પગલાં હવાના?

જે કશું મનમાં હો, બોલી નાખવાનું,
આમ કચવાતે જીવે શું જીવવાના?!

ચાહવાની રીત એની છે અનોખી,
દૂરથી જોયા કરે છે સાવ છાના;

આંખમાં દેખાય છે એ પૂરતું છે,
હોય બીજા શા પુરાવાઓ વફાના?

બંધ બાજી ક્યાં સુધી રમતા રહીશું?
મૂક ને ડર હારવાનો, ખોલ પાના!

છે જરુરી છાપ શી છોડી જશો એ,
આજ આવ્યા, કાલ તો પાછા જવાના!

: હિમલ પંડ્યા
ગયું છે, એ ખરેખર તો કશે જાતું નથી હોતું!
બધું ભૂલી જવાથી કાંઈ ભૂલાતું નથી હોતું!

વ્યથા બીજા સુધી પહોંચાડવાનો યત્ન છે શાયદ,
જે પંખી હોય છે પિંજરમાં એ ગાતું નથી હોતું!

નથી હોતું, સતત એ આપણી નજરે ચડ્યા કરતું;
અને જે હોય છે એ ક્યાંય દેખાતું નથી હોતું!

ભલે દાવો કરે, પણ કોઈ એવું નીકળે થોડું?
ન જે ખાવા ય દેતું હોય ને ખાતું નથી હોતું! 

તમે શોધ્યા કર્યું છે બ્હાર, એથી થાપ ખાધી છે;
વસ્યું છે ભીતરે એ તેજ પરખાતું નથી હોતું!

: હિમલ પંડ્યા 
ચાલ, ઊભો થા! લડવું પડશે,
થોડું તો બાખડવું પડશે;

ભીતર સ્હેજ કનડવું પડશે,
પાંપણ પરથી દડવું પડશે;

સામા વ્હેણે તરવું પડશે,
સીધા ઢાળે ચડવું પડશે;

એમ પ્હોંચવું સ્હેલું ક્યાં છે?
પડવું ને આખડવું પડશે;

ટોચ ઉપર તું હોઈશ જ્યારે,
સહુને થોડું કડવું પડશે;

જીવન-નાટકનો હિસ્સો તું!
હસવું પડશે, રડવું પડશે;

જાતમાં ખોવાવાનું તારે, 
જાતમાં ખુદને જડવું પડશે;

શ્વાસની રેલને પાટા પરથી,
સમય થયે તો ખડવું પડશે;

: હિમલ પંડ્યા
ચાહવાના ક્યા દઉં કારણ તને?
આ જીવાતી જિંદગીના સમ તને;

એક પળ તુજને ભૂલી શકતો નથી,
બોલ! છે આવું કશું વળગણ તને?

દિલ સુધી તારા જે રસ્તો જાય છે,
ધ્યાન દે, સંભળાય છે પગરવ તને?

હું ય તારા તોડવા નીકળ્યો હતો!
ખેરવી લાવ્યો ગગન - અર્પણ તને.

વાત સઘળી શાયરીમાં થાય છે,
એટલે લાગ્યા કરું પાગલ તને!

આંખને મીંચું ને તું દેખાય છે,
હું કશું નહીં કહી શકું આગળ તને.

: હિમલ પંડ્યા 
જેમના સપના ખરેખર બહુ મજાનાં હોય છે,
આંસુઓ એના જ ભાગે સાવ છાનાં હોય છે;
એમની યાદો અમારે મન ખજાના હોય છે,
ક્યાં ખબર છે એમને આવા દિવાના હોય છે?!
હું પૂછું, હમણાંથી સપને આવ-જા કાં બંધ છે?
એમની પાસે તરત હાજર બહાના હોય છે;
દૂરથી એ છો ને આંજી નાખતું વ્યક્તિત્વ હો!
સ્હેજ ઓરા જાવ ત્યારે સાવ નાના હોય છે;
જે જમાનાને સિફતથી લઇ શકે છે બાનમાં,
જોઈ લો! એવા જ લોકોના જમાના હોય છે.
આ કવિતાઓ લખો એ ખોટનો સોદો નથી,
ને લખે, મોહતાજ એ ક્યારે નફાના હોય છે?
: હિમલ પંડ્યા 

Sunday 19 November 2017

વેરનું ચાલ ને, વમન કરીએ,
પ્રેમનું સ્હેજ આચમન કરીએ;

એક સપનાને સાચું ઠેરવવા,
હું અને તું નું બહુવચન કરીએ;

જે નથી કામનું - જતું કરીએ,
હોય ઉત્તમ, બધું ચયન કરીએ;

પાસ જો આવશે, પીડા દેશે,
એમને દૂરથી નમન કરીએ;

આ ખુશીની પળોને વહેંચીને,
દર્દના ભારને વહન કરીએ;

આજ ફૂટ્યો છે શબ્દ ભીતરથી,
ચાલ, એનુ ય વિમોચન કરીએ.

: હિમલ પંડ્યા
એક ગુરુ છે વધારે, એક લઘુ ઓછો પડે છે,
જિંદગીની આ ગઝલ લખવામાં એ લોચો પડે છે.

એ હવે અહીંથી નીકળતાવેંત સામું જોઈ લે છે,
એક પથ્થર, એમ લાગે છે જરા પોચો પડે છે!

આ હૃદયને એટલું મજબૂત રાખ્યું છે હવે, કે-
તૂટવાનું તો નથી પણ તો ય હા, ટોચો પડે છે;

ત્યાં જવાનું એ જ કારણથી સતત ટાળ્યા કરું છું,
એ મને જુએ છે ત્યારે સ્હેજ તો ભોંઠો પડે છે;

કુંડળીના દોષ જોઈ કૈંક વરતારા કીધા પણ,
વાત જ્યાં કાબેલિયતની આવતી, ખોટો પડે છે;

રોજ જે ઢસડે કવિતાઓ એ માંહેનો છે ‘પાર્થ’
પણ લખે છે જે ખૂબીથી, એ થકી નોખો પડે છે;

: હિમલ પંડ્યા ‘પાર્થ’
આ તે કેવું થાવા માંડ્યું?
ભીતર કોઈ ગાવા માંડ્યું!

નજરોએ કંઈ કહેવા માંડ્યું!
નજરોને સમજાવા માંડ્યું!

દર્દ બધું ભૂલાવા માંડ્યું!
તૂટેલું સંધાવા માંડ્યું!

દેખાતું’તું એ ન્હોતું ને-
ન્હોતું એ દેખાવા માંડ્યું!

આંખો વાટે આવ્યું કોઈ
હૈયામાં સંતાવા માંડ્યું!

અઘરી ક્યાં રહી પ્રેમની ભાષા?
સઘળું લ્યો, ઉકલાવા માંડ્યું!

: હિમલ પંડ્યા
કોઈનો સહવાસ નોખો હોય છે,
એ વખતનો શ્વાસ નોખો હોય છે;

ઓગળે અસ્તિત્વ આખું મીણ થઈ,
સ્પર્શનો અહેસાસ નોખો હોય છે;

આંસુઓના મૂળ ના  શોધો તમે,
એમનો ઈતિહાસ નોખો હોય છે;

પોતપોતાની રીતે માપે બધા,
વેદનાનો ક્યાસ નોખો હોય છે;

હાથ સળગે એમ થાઓ લીન તો,
એ પછીનો રાસ નોખો હોય છે

આંગણું મારું ઉજાળ્યું એમણે,
શબ્દનો અજવાસ નોખો હોય છે,

શીખવી દે કેટલું પળવારમાં!
જિંદગીનો તાસ નોખો હોય છે.

: હિમલ પંડ્યા 
શું નવો સંકલ્પ લઉં હું આવનારા વર્ષમાં?
એટલું ચાહું વીતે એ અન્યના ઉત્કર્ષમાં;

પ્રેમ, શ્રદ્ધા, લાગણી, સંવેદના, સંસ્કારિતા,
આટલું ભરચક રહે અસ્તિત્વ કેરા પર્સમાં;

એકસરખી તો દશા કાયમ નથી રહેવાની, પણ- 
એકસરખું હો વલણ તકલીફમાં ને હર્ષમાં!

છો ખૂટી જાતું બધું જે કાંઈ છે ભેગું કર્યું,
એક બસ હિમ્મત ખૂટે નહીં આકરા સંઘર્ષમાં;

જિંદગી હારી ચૂકેલાને ફરી બેઠો કરું!
એટલી તાકાત પામું શબ્દમાં ને સ્પર્શમાં;

કૈંક તારું, કૈંક મારું, પણ બધું એનું જ છે;
આ ભરોસો, આ સમજ બસ કેળવું નિષ્કર્ષમાં.

: હિમલ પંડ્યા