Saturday 10 September 2016

કોઈ આવીને ઊકળતા શ્વાસને ઠારી ગયું!
જીવતા તાર્યો નહિ પણ લાશને તારી ગયું!

કોણ જાણે આટલી શાને ઉતાવળ આદરી?!
તું હૃદય વહેલું બધા કામોથી પરવારી ગયું!

ચાર દિવસ જીવવાનું છે જ એવા વ્હેમમાં,
બે દિવસ ચાલી રમત ત્યાં તો જીવન હારી ગયું!

હાથમાં મારાં હતું સુકાન તો છેવટ સુધી,
તો ય જાણે કેમ કોઈ નાવ હંકારી ગયું!

જે કશું મારામહીં મારું હતું એ ક્યાં રહ્યું?
કો' દિલાસો દઈ ગયું, કો' આંસુઓ સારી ગયું!

હું કલમને હાથમાં લઈ સાવ બસ બેઠો હતો;
કોણ આ કાગળ ઉપરનું શિલ્પ કંડારી ગયું!?

: હિમલ પંડ્યા
  ૭-૭-૨૦૧૬
મનભરી માણી શકાયું છે સતત,
જીંદગી! તેં એટલું આપ્યું મને;

ચોતરફ કિલ્લોલતું ગાતું જગત!
જીંદગી! તેં કેટલું આપ્યું મને!

સ્વપ્નમાં ઈચ્છ્યું, દુઆમાં જે કહ્યું;
જીંદગી! તે તેટલું આપ્યું મને;

સૌનો અઢળક પ્રેમ, અનહદ લાગણી;
જીંદગી! તેં કેટલું આપ્યું મને!

બેફિકર થઈ હું ય લે, જીવી ગયો!
જીંદગી! તેં જેટલું આપ્યું મને;

: હિમલ પંડ્યા
  ૮-૬-૨૦૧૬
એક દિ' સઘળી પળોજણમાંથી પરવારી જઈશ!
પણ એ પહેલાં જીંદગી હું તુજને શણગારી જઈશ!

એક દરિયો ક્યાંક મારી રાહમાં વહેતો હશે,
મન થશે બસ એ ઘડીએ નાવ હંકારી જઈશ!

અહીંથી નીકળી કાયમી હું એમના દિલમાં રહીશ;
એ રીતે સૌ દોસ્તોનું ઋણ ઊતારી જઈશ!

આ ખુમારી અેટલે અકબંધ રાખી છે હજુ;
જે કશું એણે જમા આપ્યું છે, ઉધારી જઈશ!

લે કરી લે વાર! ઊભો છું અડીખમ આજ પણ;
કેમ તેં માની લીધું કે હામ હું હારી જઈશ?

હાથતાળી  અેને આ પહેલાં ય દઈ આવ્યો છું હું;
પણ ફરી ચાળો થશે તો મોતને મારી જઈશ!

: હિમલ પંડ્યા
 ૧૨-૦૭-૨૦૧૬
બધી નહિ તો ય થોડી ઈચ્છાઓને બાળવી પડશે,
નવેસરથી અમારે જીંદગી શણગારવી પડશે;

સબંધોમાં પડેલી ગાંઠને ઓગાળવી પડશે!
જે પહેલાં થઈ ચૂકી છે એ ભૂલોને ટાળવી પડશે!

નિયમ અહીંની રમતના સાવ નોખા નીકળી આવ્યાં,
ખબર ન્હોતી અમારે બંધ બાજી ધારવી પડશે!

હવે આપી જ દીધી છે ચુનૌતી તેં ય તો ઈશ્વર!
ગમે કે ના ગમે પણ મારે એ સ્વીકારવી પડશે!

બનીને સાવ બેપરવા જીવી લીધુંં, હવેથી પણ;
બતાવી છે બધાએ એ પરેજી પાળવી પડશે!

હવે કન્ટ્રોલ ને ઓલ્ટર-ડીલીટથી કામ નહિ ચાલે;
મને લાગે છે કે સિસ્ટમને ફોર્મેટ મારવી પડશે!

: હિમલ પંડ્યા
  ૧૩-૦૭-૨૦૧૬

જાળવીને રાખજો વિશ્વાસને;
શોધવા નીકળો જો કોઈ ખાસને!

આમ ઝાકળ જે રીતે બાઝી પડે;
કૈંક તો થાતું હશે ને ઘાસને!?

ત્યાં લપાયેલું નીકળશે બાળપણ,
ચાલ ખોલી જોઈએ કમ્પાસને!

કેટલું અંદર પછી ખૂંચતું હશે!
જાણ એની હોય છે ક્યાં ફાંસને?

થાય એને પણ અનુભવ બીકનો;
સ્હેજ અંધારે મૂકો અજવાસને!

એ મથે છે રોજ છેડો ફાડવા;
એક બ્હાનું જોઈએ છે શ્વાસને!

તું નહિ હો તો ય દુનિયા ચાલશે;
છોડ ને તારી બધી ડંફાસને!

: હિમલ પંડ્યા
  ૧૪-૭-૨૦૧૬
રોશની આપવા છો બળે જીંદગી!
કૈંક એવું કરો, ઝળહળે જીંદગી!

કો'ક દિ' થાય એવું, ફળે જીંદગી!
ને બને એમ પણ, કે છળે જીંદગી!

સ્હેજ ઉન્માદમાં જો છકી જાવ તો;
કાન કેવો તરત આમળે જીંદગી!

આ તરફ અન્નકૂટ, સામી ફૂટપાથ પર;
ભૂખથી કેટલી ટળવળે જીંદગી!

શ્વાસ લો ને તરત શ્વાસ મૂકવો પડે!
એમ સહેલાઈથી ક્યાં મળે જીંદગી?!

છેવટે એ જ કરશે જે ધાર્યું હશે;
કોઈનું ક્યાં કદી સાંભળે જીંદગી!

પ્રેમથી, હેતથી રીઝવી જો શકો;
રીસ છોડીને પાછી વળે જીંદગી!

: હિમલ પંડ્યા
  ૧૪-૭-૨૦૧૬
શું ય વિચારી ગયાં કોને ખબર?
શું ય ઉચ્ચારી ગયાં કોને ખબર?

રીસમાં ને રીસમાં અે પણ જુઓ!
શું નું શું ધારી ગયાં કોને ખબર?

દર્દ સઘળાં દૂરથી જોઈ મને,
કેમ ઓવારી ગયાં કોને ખબર?

આંસુઓ રોકીને બેઠેલા નયન,
શું પછી સારી ગયાં કોને ખબર?

જીંદગીને જીતવા નીકળ્યા હતાં!
કેટલું હારી ગયાં કોને ખબર?

શ્વાસના પંખી અહીં ઉડતા હતાં!
ક્યારે પરવારી ગયાં કોને ખબર?

: હિમલ પંડ્યા
 ૧૬-૭-૨૦૧૬
ચાલ ને, મોઢું જરા મલકાવ ને!
કેટલા પંપાળવાના ઘાવને?!

ભૂલવા પડશે પુરાણા દાવને,
લે, ફરીથી જાતને અજમાવ ને!

રોજ શું આવી રીતે આવી ચડો?!
આંસુઓ ક્યારેક પાછા જાવ ને!

હોય વહેવું તો બધું ખમવું પડે!
કંઈ નડે નહિ લાંગરેલી નાવને;

એક દિ' ઊંચાઈને પામી જઈશ;
રોજ થોડી પાંખને ફેલાવ ને!

સ્હેજ શરમાઈ નજર નીચી કરી;
ઢાળ તેં આપી દીધો ઢોળાવને!

તું મળે તો ક્યાં બીજું કંઈ જોઈએ?
ઠોકરે મારું બધા સરપાવને!

: હિમલ પંડ્યા
  ૧૬-૭-૨૦૧૬
કો'ક હળવી કો'ક ભારી ક્ષણ મળે છે;*
આખરે તો આટલું તારણ મળે છે;

આ બજારેથી બધું મળશે તને જો!
ખોળિયું પણ છે અને ખાંપણ મળે છે;

રોજ લડીએ, હારીએ ને જીતીએ પણ!
કેટલાં અહીં રોજ સમરાંગણ મળે છે;

હાથ એનો ઝાલવાનું થાય છે મન!
સ્હેજ ભીની કોઈની પાંપણ મળે છે;

સાવ હળવા થઈ જવાતું હોય, જ્યારે-
આપણો કહેવાય એવો જણ મળે છે;

મોતના બ્હાના સતત શોધ્યા કરો છો!
જીવવાના કેટલાં કારણ મળે છે;

: હિમલ પંડ્યા
  ૧૮-૬-૨૦૧૬
હું હજુ એ મિજાજ રાખું છું,
જીદ રાખીને રાજ રાખું છું;

દર્દ રાખું છું સાવ નોખું ને,
સાવ નોખો ઈલાજ રાખું છું;

સાવ મૂંગા થવાથી નહિ ચાલે!
સ્હેજ મારો અવાજ રાખું છું;

રોકડો દઈ શકું જવાબ તને!
પણ ગઝલનો લિહાજ રાખું છું.

કાલને ભૂલવી રહી મારે,
આંખ સામે હું આજ રાખું છું;

મોતને માત એટલે આપી;
જીંદગી તારી લાજ રાખું છું.

: હિમલ પંડ્યા
  ૧૯-૭-૨૦૧૬
કોઈને કહેવું નથી એવું નથી,
છોડ ને, એમાં પડ્યા જેવું નથી!

ડહોળ આપોઆપ નીચે બેસશે;
આ બધું દેખાય છે તેવું નથી!

એ જ લોકો ન્યાય મારો તોળશે;
આળ માથે એટલે લેવું નથી;

શ્વાસ પણ મરજી મુજબ ના લઇ શકો!
આપણે ત્યાં એક ક્ષણ રે'વું નથી;

હું દબાયેલો છું જે બોજા તળે,
દોસ્તોનો  પ્રેમ છે, દેવું નથી!

મેં હવે મૂકી દીધી એ ધારણા;
આ જગત કેવું હતું, કેવું નથી!

બસ, દિલાસો જાતને આપી દીધો!
જે થયું છે એ થવા દેવું નથી.

: હિમલ પંડ્યા
૨૧-૭-૨૦૧૬
શું તારું, શું મારું પ્યારાં!
સઘળું છે સહિયારું પ્યારાં!

પ્રેમ બધે પાથરતા રહીએ;
ફૂંકીને દેવાળું પ્યારાં!

એમ પછી ઓગળતું જાશે;
અંતરનું અંધારું પ્યારાં!

ના ગમતું જો થાય, ભૂલી જા;
કજીયાનું મોં કાળું પ્યારાં!

કહેનારાને કહેવા દેવું;
હોઠ ઉપર ક્યાં તાળું પ્યારાં!

રાખ ભરોસો એની ઊપર,
જે કરશે એ સારું, પ્યારાં!

માટીની આ જાત મળી છે;
એ ઢાળે એમ ઢાળું પ્યારાં

: હિમલ પંડ્યા
  ૨૨-૭-૨૦૧૬
બે જ ડગલાં પૂરતો જે સાથ દઇને જાય છે,
ખોટ એની માર્ગમાં છેવટ સુધી વર્તાય છે;

એમ ઉદાસી પછી આ જાતને ઘેરી વળે,
જેમ આકાશે અચાનક વાદળાં ઘેરાય છે;

કોઈ પણ કારણ વગર બે આંખ આ વરસી પડે!
ને પછી વાતાવરણ પણ સામટું ભીંજાય છે;

તેં રમતમાં ને રમતમાં એટલું શીખી લીધું,
કે હૃદયને કેટલા અંશો સુધી છેદાય છે!*

રાખવાનો છે મલાજો આખરે સંબંધનો,
આપણાંથી એમ થોડી આંગળી ચિંધાય છે?

"પાર્થ" જેને જીતવા ધારો, નહિ જીતી શકો!
માછલીની આંખ ક્યાં સહેલાઈથી વિંધાય છે?

: હિમલ પંડ્યા "પાર્થ"
  ૨૨-૭-૨૦૧૬

* કવિશ્રી નયન દેસાઈની પંક્તિ પરથી લખાયેલ તરહી ગઝલ
જેઓ દોડીને આજ આવે છે,
ફક્ત દેખાડવા જ આવે છે;

ક્યાંક હું રહી ન જાઉં! એ બીકે,
એક આવ્યો, બધા જ આવે છે;

હું જ પહેલી તરાપ મારી દઉં!
એ વિચારીને બાજ આવે છે;

એમની તસ્વીરો બધે આવે!
ક્યાંય તારો અવાજ આવે છે?

કૈક સદીઓથી તું પીડાયો છે!
આમને એની લાજ આવે છે?

સ્વાર્થ પોતાનો સાધવાનો છે,
યાદ તારો સમાજ આવે છે;

: હિમલ પંડ્યા
  ૨૩-૭-૨૦૧૬
सिर्फ तेरी बांहो में आना होता है,
बाकी का हर काम बहाना होता है;

परवाने को जीद रही जल जाने की,
आग से अक्सर साथ निभाना होता है;

दर्द भी उतना ज्यादा गहरा होता हे,
जितना ज्यादा घाव पुराना होता है;

ओर कोइ तकलीफ न इतनी दे पाता!
कोइ तो जाना पहचाना होता है;

बातों से ही बात निकल अाती है अक्सर,
मुश्किल कितना बात भूलाना होता है?!

भूल गया सब, एक गली वो याद रही,
रोज जहां पर आना जाना होता है;

: हिमल पंड्या
झील-सी गहरी आँखों में यूं खो जाता हूं,
मैं भी अपने आप मुकम्मल हो जाता हूं;

निंद भी अच्छी आ जाती है अक्सर मुज को,
जब मैं तेरा सपना ले के सो जाता हूं;

हँस कर सुन लेता हूं जमाने भर के ताने,
लेकिन जब भी थक जाता हूं, रो जाता हूं;

मयखाने से तोड चूका हूं नाता लेकिन,
कोइ अपना मिल जाता है तो जाता हूं;

बातों ही बातों में कितनी देर लगा दी!
वक्त हुआ है जाने का अब, लो जाता हूं;

रोकना चाहो आज अगर तो हाथ बढ़ा दो!
मैं भी मुड़ कर आ नहि पाता, जो जाता हूं.

: हिमल पंड्या
  २५-७-२०१६
સાવ નિરાંતે સ્મરણના હીંચકે ઝૂલી શકો!
તો જ પીડાને તમે પળવારમાં ભૂલી શકો!

એક એવું જણ જગતમાં ક્યાંક હોવું જોઈએ,
જ્યાં બીડેલી આંખમાં સપનું થઈ ખુલી શકો!

એક-બે હમદર્દ, થોડાં ચાહકો, પથદર્શકો,
આ જ દોલતથી તમે ફાલી અને ફૂલી શકો!

જીદ જો કરવા જશો તો જીવવાનું ચૂકશો;
બહુ બધું પામી જશો જો ભૂલને ભૂલી શકો!

: હિમલ પંડ્યા
કો'ક દિ' આ જાતની પાછળ પડો!
ને લીધેલી વાતની પાછળ પડો!

ક્યાં બધા સપનાં લઈ જાતી હશે!?
આમ ક્યારેક રાતની પાછળ પડો!

શું થયું? શું થઈ રહ્યું? શું થઈ શકે?
શક્યતાઓ સાતની પાછળ પડો!

જે હશે હુનર એ સામે આવશે,
કાં સતત ઓકાતની પાછળ પડો?!

એ પડે પાછળ તમારી તો તમે,
જાવ, જઈને ઘાતની પાછળ પડો!

અંત ધાર્યો લાવવાનો હોય તો,
લ્યો, તમે શરુઆતની પાછળ પડો!

: હિમલ પંડ્યા
આ ઉદાસીની ક્ષણો લંબાઈ ગઈ છે;
ને સમયની ચાલ પણ બદલાઈ ગઈ છે;

હું ખુશીને શોધવા બેઠો પરંતુ,
આડે હાથે ક્યાંક એ મૂકાઈ ગઈ છે;

શું થયું? ને શું થશે? ની લ્હાયમાં બસ,
સાવ જાણે કે મતિ મુંજાઈ ગઈ છે;

જોઉં રઘવાયો થઈ હું રાહ એની!
જિંદગી જાણે કશે અટવાઈ ગઈ છે;

આ બધી તકલીફો, પીડાઓ, વ્યથાઓ,
તારા હોવાથી ફરી સચવાઈ ગઈ છે;

તું મળી, જાણે મળ્યું પાનું હુકમનું,
"પાર્થ" લ્યો, બાજી ફરી પલટાઈ ગઈ છે.

: હિમલ પંડ્યા
 ૨૭-૭-૨૦૧૬
રોજ આપી જાય જીવવાના બહાના;
કેટલા યે અવનવાં, કેવાં મજાના!

જીંદગી ક્યાંથી હુનર આ લાવતી?
ખુશ થયે તું ખોલતી સઘળાં ખજાના;

એકધારી આવ-જા કરતી રહે છે,
તો ય ક્યાં દેખાય છે પગલાં હવાના?

જે કશું મનમાં હો, બોલી નાખવાનું,
આમ કચવાતે જીવે શું જીવવાના?!

ચાહવાની રીત એની છે અનોખી,
દૂરથી જોયા કરે છે સાવ છાના;

આંખમાં દેખાય છે એ પૂરતું છે,
હોય બીજા શા પુરાવાઓ વફાના?

બંધ બાજી ક્યાં સુધી રમતા રહીશું?
મૂક ને ડર હારવાનો, ખોલ પાના!

છે જરુરી છાપ શી છોડી જશો અે,
આજ આવ્યા, કાલ તો પાછા જવાના!

: હિમલ પંડ્યા
  ૨૭-૭-૨૦૧૬
मुझे तुम अपनी आँखों में बसा लो, ख्वाब इतना है,
मुझे तुम अपने ख़्वाबों में सजा लो, ख्वाब इतना है;

बड़ी मुद्द्तसे सन्नाटे में ही सोने की आदत है,
मगर तुम अपनी आहट से जगा लो, ख्वाब इतना है;


अगर देखो कहीं तो सिर्फ बस मेरी तरफ देखो! 
जमाने भर से तुम नजरे हटा लो, ख्वाब इतना है;

मेरी बांहों में बांहें डाल कर कुछ देर तो बैठो!
करीब आ जाओ, सीने से लगा लो, ख्वाब इतना है;

मैं चाहत के हुनर दो-चार अपने साथ लाया हूं,
अगर चाहो तो मुज को आजमा लो, ख्वाब इतना है;

सितारे तोड़ कर तेरे लिये ला सक्ता हूं लेकिन,
मेरे संग चांद पर तुम घर बसा लो, ख्वाब इतना है.

: हिमल पंड्या 
જીવન જાણે ખેલ જમુરા!
રમવું કરતા ગેલ જમુરા!

સઘળું એના હાથમાં છે તો,
રહીએ રાખે એમ જમુરા!

જે કરશે એ સારું કરશે,
મુંઝાવાનું કેમ જમુરા!

હાથવગી છે જીતની બાજી,
ચાલ ને, પાસા ફેંક જમુરા!

ભૂલથી કોઈ ભૂલ કરી છે,
એમાં શેનો ખેદ જમુરા!

સાથે નહિ આવે, રહી જાશે;
સઘળી રેલમછેલ જમુરા!

એક દિવસ તો પાટા પરથી,
ખડવાની છે રેલ જમુરા!

જો મંઝીલ દેખાતી સામે;
આવી ચૂક્યા છેક જમુરા!

: હિમલ પંડ્યા
 ૨૮-૭-૨૦૧૬
ઊડતા રહો છો શાને તમે આટલા હવામાં?
નહીં વાર લાગે સ્હેજે સાચે ઊડી જવામાં!

કૈં કેટલાં યે થોથાં ઊથલાવ્યા કરો છો;
ઊણા જ ઊતર્યા છો બે આંખ વાંચવામાં;

દેખાતું હોય છે એ હોતું નથી હંમેશા;
એથી જ ચૂક થાતી માણસને માપવામાં!

ધીરજથી કામ લઈએ, ગમતું જ સહુને કહીએ;
ગુમાવતા બધુંયે બહુ આકરા થવામાં!

જીવાડી ક્યાં શકે છે? મરવા ય નથી દેતી!
એવું તે શું ભળ્યું છે આ આપણી દવામાં?

લ્યો, તકલીફોની સામે આબાદ હું ટક્યો છું;
ખોટા પડ્યા છે તેઓ ભાવિને ભાખવામાં!

હિંમતથી રાત કાળી આખી અમે વીતાવી!
ક્યાં વાર છે હવે તો ભળભાંખળું થવામાં?!

: હિમલ પંડ્યા
  ૨૮-૭-૨૦૧૬
આ ઊભી છે જે વચાળે, ભીંતને ખખડાવ ને!
કાં ટકોરા દે કમાડે? ભીંતને ખખડાવ ને!

ચાલ કરીએ ખાતરી કે ભીંતને  પણ કાન છે?
રોજ નહિ તો છાશવારે ભીંતને ખખડાવ ને!

ભીંત લાંબી, ભીંત જાડી, ભીંત પાકી હો ભલે,
મૂક એ ચિંતા તું તારે, ભીંતને ખખડાવ ને!

ભીંત આ ભાંગી જશે, તું બસ ભરોસો રાખ ને!
જે થવાનું એ થવા દે, ભીંતને ખખડાવ ને!

કેટલાં સપનાઓને તેં ભીંતમાં દીધા ચણી??
બ્હાર એને કાઢવા છે, ભીંતને ખખડાવ ને!

ભીંત પાછળ એક રાણી રીસમાં બેઠી હશે;
બારણું એ નહિ ઉઘાડે, ભીંતને ખખડાવ ને!

ભીંત ભૂલ્યો એટલે તકલીફમાં આવ્યો હતો;
છોડ, જીવવાની મજા લે, ભીંતને ખખડાવ ને!

: હિમલ પંડ્યા

(કવિ મિત્ર કુલદિપ કારીયા દ્વારા "ભીંત ખખડાવો તો?" વિષયને અનુલક્ષીને કવિતા રચવાના ઈજનને પરિણામે સર્જાયેલી રચના....અહીં "ભીંત" ને અવરોધ/આપત્તિ/પ્રતિકૂળ પરિસ્થિતિના પ્રતિક તરીકે પ્રયોજેલ છે)
આમ જુઓ તો મજાના સાંપડ્યા!
જે પરિણામો વફાના સાંપડ્યા!

દિલ સિફતથી સાવ જો, છટકી ગયું;
જોઈતા સઘળાં બહાના સાંપડ્યા!

એ તમારી કમનસીબી છે નયન !
સ્વપ્ન પણ તમને બીજાના સાંપડયા!

દદૅઘેરી સાંજને શણગારવા
શબ્દના અઢળક ખજાના સાંપડયા!

એટલે પીડા અજાણી રહી ગઈ;
આંસુઓ આપણને છાના સાંપડ્યાં!

એકલા મારે નીકળવાનું થયું;
શ્વાસ! લ્યો તમને વિઝા ના સાંપડ્યા!

: હિમલ પંડ્યા
  ૨૯-૭-૨૦૧૬
જે થતું હો એ થવા દે ને ભલા માણસ!
મૂક ને પડતું, જવા દે ને ભલા માણસ!

ચોપડી શું કામ પીડાની છુપાવે છે?
એક પાનું વાંચવા દે ને ભલા માણસ!

કાંઈ સાંભળવું નથી, કહેવું નથી આજે,
બે ઘડી તો બેસવા દે ને ભલા માણસ!

એટલો હક આપ તું અંગત ગણી અમને,
સાથ આંસુ સારવા દે ને ભલા માણસ!

લોક છો ને ધારતા તારા વિશે જે પણ;
તું ય એને ધારવા દે ને ભલા માણસ!

લે સમય આવ્યો લઈ તોરણ ખુશાલીનું,
આંગણું શણગારવા દે ને ભલા માણસ!

: હિમલ પંડ્યા
  ૩૦-૭-૨૦૧૬
વાત એની એકદમ સાચી હતી,
આપણી સમજણ ઘણી કાચી હતી;

મોહ ફળનો હું ય ના ત્યાગી શક્યો!
આમ તો મેં પણ ગીતા વાંચી હતી;

આંખ દુનિયા જોઈને ભોંઠી પડી!
કાલ સપનામાં ઘણું રાચી હતી;

પૂછવા બેઠાં અને ભૂલી પડ્યાં!
એ જ તો નહિતર ગલી સાચી હતી;

એક ધમકી એ ય ઉચ્ચારી ગયા,
આપણે પણ ક્યાં ક્ષમા યાચી હતી?

લ્યો, કબરમાં કેટલું ગોઠી ગયું!
છો સુવિધાઓ બધી ટાંચી હતી.

: હિમલ પંડ્યા
શંકાથી પર થવાય ને! ત્યારે જીવાય છે,
શ્રધ્ધા પૂરી સ્થપાય ને! ત્યારે જીવાય છે;

સાવ જ અજાણ્યા લોકના દુ:ખ-દર્દ જોઇને,
આ આંખ ભીની થાય ને! ત્યારે જીવાય છે,

હોવું નશામાં એકલું કાફી નથી હોતું!
પીડા બધી ભૂલાય ને! ત્યારે જીવાય છે;

ગમતું કોઈક આવીને પૂછી લે 'કેમ છો?'
ડૂમો પછી ભરાય ને! ત્યારે જીવાય છે;

છૂટાં છવાયા શેર લખો, સાચવો ભલે!
આખી ગઝલ લખાય ને! ત્યારે જીવાય છે;

તારા થઈ જવાથી મને એ ખબર પડી!
તારા થઈ જવાય ને! ત્યારે જીવાય છે;

: હિમલ પંડ્યા
  ૯-૮-૨૦૧૬
કોક વેળા પ્યાર કર, ને જો પછી,
સ્વપ્નનો શણગાર કર, ને જો પછી;

એક કોરાણે મૂકી પીડા બધી,
સ્હેજ હળવો ભાર કર, ને જો પછી;

જીંદગી છે, દર્દ એનો ભાગ છે,
આટલું સ્વીકાર કર, ને જો પછી;

કોણ તારું? કોણ મારું? છોડ ને-
જાતનો વિસ્તાર કર, ને જો પછી;

થઈ શકે તો તું ખુશીથી કોઈની,
જીંદગી ગુલઝાર કર, ને જો પછી;

પીઠ પાછળ ઘા કરી કાયર ન બન!
આવ સામે વાર કર, ને જો પછી;

ઓઢજે બખ્તર ખુમારીનું અને,
સત્યને તલવાર કર, ને જો પછી;

શક્ય છે લંકા ફરી ભડકે બળે!
એક દરિયો પાર કર, ને જો પછી.

: હિમલ પંડ્યા
रोज सुबहा से शाम होती है,
जाने क्यूँ फिर उमर नही जाती!?

वक़्त इतना ना लगा जीने में;
जिंदगी पूछ कर नही जाती!

लो, उदासी ने हाथ थाम लिया!
अब से वो अपने घर नही जाती;

ऐसे बिछड़ा कि आसमाँ पे बसा,
अब वहाँ तक नजर नही जाती!

जाने कैसे कलाम लिखता है,
कुछ तो है जो असर नही जाती!

: हिमल पंड्या
મને નહિ ફાવે સઘળું સમજાવવું!
અંતરમાંહેથી જે ઊલટથી આવે એને કેમ કરી શબ્દોમાં ઢાળવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

પ્રેમની feelingsને તો ફીલવાની હોય એમાં શાને તું description માંગે?
હૂંફાળો સ્પર્શ એ તો otc product છે, એમાં કાં prescription માંગે?
એકમાં ઊમેરાય એક તો ય થાય એક, એમાં logic શું લગાવવું!?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!


દિવસ ને રાત સતત રહીને online હવે કહી દો કે ચેટવાનું કેટલું?
બીડેલી આંખોમાં ઊઘડે webcam, પછી સપનામાં વેઠવાનું કેટલું?
મનમાં જે હોય એને tweet કરી દઈએ, પણ હૈયાનું હેત ક્યાં સમાવવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

મને નહિ ફાવે સઘળું સમજાવવું!
અંતરમાંહેથી જે ઊલટથી આવે એને કેમ કરી શબ્દોમાં ઢાળવું?
મને નહિ ફાવે સઘળું સમજાવવું!

: હિમલ પંડ્યા
સાવ તકલાદી હતો, તૂટી ગયો!
જીંદગીનો આયનો ફૂટી ગયો!

આંખમાં ઉછરી રહ્યું વેરાન રણ,
પાંપણે કૂવો હતો, ડૂકી ગયો!

શ્વાસ નામેરી હવાને સંઘરી,
અક પરપોટો થયો, ફૂટી ગયો!

કેમ ટકવું એ મથામણમાં જ એ,
જીવવાનું સ્હેજમાં ચૂકી ગયો!

દર્દ, પીડા, આંસુઓ, અવહેલના;
વારસામાં કેટલું મૂકી ગયો!

ખેપ છેલ્લી મારવા નીકળી પડ્યો;
ખૂબ પીડાયો હતો, છૂટી ગયો!

: હિમલ પંડ્યા
ફેંસલો આ વાતનો થાતો નથી,
તું નથી? કે માત્ર દેખાતો નથી!

જીંદગીભર મેં ય લ્યો, પૂજ્યા કર્યો!
એક પત્થર જીવતો થાતો નથી;

બોજ આ હોવાપણાંનો લઈ ફરો!
આપણાથી એ ય સચવાતો નથી;

લોહી ટપકે એમ ટપકે આંસુઓ,
દર્દ સરખું, રંગ છો રાતો નથી;

રોજ ઈચ્છા થાય મરવાની છતાં,
જીવવાનો મોહ પણ જાતો નથી;

કેટલું ભટક્યા કરો ચારે તરફ!
તો ય પોકેમોન પકડાતો નથી;

: હિમલ પંડ્યા
  ૧૫-૮-૨૦૧૬
સતત અેક અંતર રાખી જીવ્યો છું,
હું ખુદ મારા ભાવિને ભાખી જીવ્યો છું;

ફકત હું પ્રવેશી શક્યો મુજ માંહે,
બધા બારણાંઓને વાખી જીવ્યો છું;

મજાથી જીવનનો દરેક રસ પીધો છે,
ગમા-અણગમાઓને ચાખી જીવ્યો છું;

વહાવી શકે આંસુઓનો સમંદર,
હું આરોપ એવા ય સાંખી જીવ્યો છું;

ગળે મેં લગાડી છે સઘળી વ્યથાને,
ખભે હું મુસીબતને નાખી જીવ્યો છું;

ઊજવવો છે અવસર અલગ મોત કેરો;
ભલે જીંદગી સાવ પાંખી જીવ્યો છું.

: હિમલ પંડ્યા
તરહી રચના :

શક્ય છે કે આખરે એવું બને!
ધારણા ખોટી ઠરે એવું બને!*

ભૂલવામાં જેમને સદીઓ વીતે,
એ જ પળમાં સાંભરે એવું બને!

આપણો સંબંધ જર્જર થઈ રહ્યો;
પોપડું એથી ખરે એવું બને!

રોજ ખુલાસો તમે કરતા રહો;
રોજ શંકા પાંગરે એવું બને!

'રામ' લખીએ, પણ ન શ્રધ્ધા હોય તો,
પત્થરો ના પણ તરે એવું બને!

ભેદ ભીતરના બતાવે આઈનો;
જાતથી માણસ ડરે એવું બને!

શબ્દ આજે શાંત છો ને લાગતો;
એ અચાનક વિફરે એવું બને!

: હિમલ પંડ્યા
 ૧૬-૮-૨૦૧૬
ગળથૂથીથી ગંગાજળની વચ્ચે કેવાં અટવાયાં?
ધખતા રણમાંહે મૃગજળની વચ્ચે કેવાં અટવાયાં?

જીવતરના અંધારામાં વરસોથી ફાંફા માર્યા છે;
સપનાં, શ્રધ્ધા ને અટકળની વચ્ચે કેવાં અટવાયાં?

સુખ પામ્યાં, દુ:ખ પામ્યાં, આંસુ પણ આવ્યાં ને હસ્યાં પણ!
આ પળ, પેલી પળ, હર પળની વચ્ચે કેવાં અટવાયાં?

દુનિયાએ જકડેલાં, કયારેક જાતે પણ જકડાયા'તા;
બેડી, સળિયા ને સાંકળની વચ્ચે કેવાં અટવાયાં?

સાવ સિફતથી નીકળી જાશું એવું કંઈ વિચાર્યુ'તું;
પાપ-પુણ્ય અને અંજળની વચ્ચે કેવાં અટવાયાં?

લખવા બેઠાં થોડું સંબંધો વિશે, સ્મરણો વિશે;
લખવા બેઠાં તો કાગળની વચ્ચે કેવાં અટવાયા?

: હિમલ પંડ્યા
  ૧૭-૮-૨૦૧૬
આજે થોડું મોડું થઈ ગયેલું
એનાથી ઊઠવામાં!
ફટાફટ ઉપરછલ્લું ન્હાઈને,
સૂટ-બૂટ ઠઠાડીને,
દોટ મૂકી મંદિર ભણી!
હાંફતો, પરસેવો લૂછતો
મંદિરના દરવાજે પહોંચ્યો!
ત્યાં જ અેક હાથ લંબાયો...
દયાની અરજ સાથે.
ગુસ્સો તો ઠલવાવાનો જ બાકી રહેલો!
"ચાલ, નીકળ અહીંથી, માગણ સાલી! શરમ નથી આવતી ભીખ માંગતા??"
....પેલી સ્તબ્ધ થઈને દૂર ખસી ગઈ!
પૂછી ન શકી....
"તે હેં સાયબ! તમે અાંય શું કરવા?"

: હિમલ પંડ્યા
આમ પણ થાય ને અેમ પણ થાય છે,
જીન્દગી જો ને, ક્યાંથી ક્યાં લઈ જાય છે!

આપણું આપણાંમાં ન હોવું હવે,
આમ જુઓ તો ચોખ્ખું જ વરતાય છે!

કોઈને જીતવાની અધીરાઈમાં,
જાતને સાવ હારીને બેસાય છે;

સાચવી રાખવાનું ગુમાવી દીધું!
આખરે ખૂબ મોડેથી સમજાય છે;

તું કહે છે કે શ્વાસો ઘણાં છે અને,
હું કહેતો રહું છું, સરી જાય છે;

કોઈ પીડા નકામી તો હોતી નથી,
આંસુ આવ્યે કવિતાઓ સર્જાય છે;

: હિમલ પંડ્યા
 ૧૯-૮-૨૦૧૬
जीने की कोशिश मे जीना आ जाता है, 
लेकिन फिर भी यार पसीना आ जाता है;

तकदीरों का ताला खोल न पाता कोइ,
कुछ भी कर लो, वक्त कमीना आ जाता है;

मयखाने का रस्ता चाहे अनजाना हो!
दर्द भूलाने नीकलो, पीना आ जाता है;

अपने बारे में अपनों की बातें सुन कर,
अपने होठों को भी सीना आ जाता है;

मैंने माँ के कदमो में सर रक्खा अपना,
उस में मक्का और मदीना आ जाता है;

: हिमल पंड्या
  २०-८-२०१६
જાવું છે ક્યાં તમારે અહીંયા બધું મૂકીને?
આખું ય પડ અચાનક આ જાગતું મૂકીને!

રહેવાની ટેવ પાડો, ગમશે બધું પછીથી;
કોઈ ન ખાટવાનું, આ જે મળ્યું મૂકીને!

ઈચ્છાની એક બારી અધખુલ્લી રહી ગઈ છે,
વાછટ મજાની માણો, મોં વામણું મૂકીને!

સામે જે બાળકોને હસતા તમે જુઓ છો,
ત્યાં જીંદગી મળે છે, આ આયખું મૂકીને!

આ મારું, આ તમારું, એવા હિસાબ છોડી,
બસ એક વાર જોજો ત્યાં આપણું મૂકીને!

આપે પસંદગીની ઈશ્વર જો તક ફરીથી,
ખોયું જ વ્હાલું કરશો, આ ખાંપણું મૂકીને!

: હિમલ પંડ્યા
 ૨૦-૮-૨૦૧૬
મૌન પડઘાઓની વચ્ચે ક્યાંક છું,
ક્ષીણ સપનાઓની વચ્ચે ક્યાંક છું;

શાંત ડૂસકાંઓની વચ્ચે ક્યાંક છું,
કેદ ઘટનાઓની વચ્ચે ક્યાંક છું;

મેં સમયની સૌ થપાટોને સહી!
તો ય થડકાઓની વચ્ચે ક્યાંક છું;

જીવતી લાશો જુઓ છો ચોતરફ?!
હું ય મડદાઓની વચ્ચે ક્યાંક છું;

નામ ચર્ચાતું થયું તારું બધે,
હું ય અફવાઓની વચ્ચે ક્યાંક છું;

ક્યાંક છું એવો જ દેખાઈ જતો!
બંધ પરદાઓની વચ્ચે ક્યાંક છું;

છો તખલ્લુસ નીકળ્યું મક્તામાં 'પાર્થ'!
પણ હું મત્લાઓની વચ્ચે ક્યાંક છું.

: હિમલ પંડ્યા 'પાર્થ'
નામ એનું હોઠ પર ધરવાનું છે,
એ કરાવે એટલું કરવાનું છે;

બસ, સમય આવ્યે જરા સરવાનું છે;
ત્યાં સુધી હરવાનું છે, ફરવાનું છે;

રંગ પીળો પાંદડે ધારણ કર્યો!
ઝાડ પરથી છેવટે ખરવાનું છે;

જીંદગીની વ્યાખ્યા આપું તને?
સાવ સામે પાણીએ તરવાનું છે;

એક મોતી આંખથી ટપકી રહ્યું,
સાચવો એને, એ સંઘરવાનું છે;

હારીએ તો હારવાનું ક્યાં કશું?
જીતીએ તો એમને વરવાનું છે;

કૃષ્ણ જેવો સારથિ જો સાંપડે!
ક્યાં કોઈ સંગ્રામથી ડરવાનું છે?!

: હિમલ પંડ્યા
૨૩-૮-૨૦૧૬